ધર્મ વીના નીતી હોય?

નીતી ધ્યેય (End) છે, ધર્મ માર્ગ (Means) છે. ધ્યેયનું મહત્ત્વ વધારે હોય કે માર્ગનું? નીતીને પ્રાધાન્ય આપી આપણે ધર્મને એના રસ્તે વાળવો પડશે કે છોડવો પડશે. અનીતીમય ધર્મ કરતાં અધાર્મીક નીતી હજાર દરજ્જે સારી છે.         

ધર્મ વીના નીતી હોય?

        –સુબોધ શાહ

તાજેતરમાં ભારત પ્રવાસ કરી આવેલા એક મીત્ર કહે : “ઈન્ડીયામાં ધર્મ વધતો જાય છે. નાગરિક ભાવના (Civic Sense) કે નીતી તો દેખાતી જ નથી.” એમને મેં પુછ્યું, “ધારો કે મધરાતે પોતાની કારમાં તમે જઈ રહ્યા છો. ક્યાંક જલદી પહોંચવું છે. રસ્તો સુમસામ છે, પોલીસ નથી, કોઈ જોતું નથી; અને ટ્રાફીક લાઈટ લાલ થાય છે. તમે ઉભા રહેશો? કે જશો?” એ જરાક વીચારમાં પડ્યા. પછી કહે : “કાયદો તો પાળવો જ જોઈએ ને? ભલે કોઈ જોતું નથી, ભગવાન તો જુએ છે ને?”

ફ્રાન્સના વીખ્યાત ફીલ્સુફ વોલ્ટેરને કોઈએ જગન્નીયન્તા ઈશ્વર વીશે પુછ્યું. એણે કહ્યું : “ઈશ્વર નથી; પણ આ વાત મારા નોકરને કહેતા નહીં. કહો તો એ કદાચ મને મારી નાખે!

ભગવાન એટલે એક પ્રકારનો પોલીસમેન કે રાજા; એના ભય વીના નીતી નહીં, એ માન્યતા અતી પ્રાચીન છે. બહુ ઓછા લોકોને ઉંડા અધ્યાત્મમાં રસ હોય છે; પણ નેવું ટકાથીય વધુ મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે. આવી શ્રદ્ધામાં સૌથી મહત્ત્વનું કારણ તેમની આ માન્યતા છે કે ધર્મ એટલે નીતી અને અધર્મ એટલે અનીતી. ધાર્મીક એટલે ભલો માણસ ને અધાર્મીક એટલે દુરાચારી નહીં, તોય નાદાન તો ખરો જ.  ટુંકમાં : ધર્મ ને નીતી, એ બન્ને એક જ છે. એ માન્યતાનાં બે કારણો છે :

1. પરાપુર્વથી ધર્મશાસ્ત્ર અને નીતીશાસ્ત્ર એક્બીજા સાથે જોડાયેલાં રહ્યાં છે. ભાષા સુધ્ધાંમાં ધર્મ શબ્દ બે અર્થમાં વપરાય છે. ધર્મ એટલે કર્તવ્ય કે નીતી; અને ધર્મ એટલે Religion. દા.ત. ‘માતાપીતાને માન આપવું એ સંતાનનો ધર્મ (કર્તવ્ય, Morality) છે’.

2. જે કાંઈ ના સમજાય, ના સમજવું હોય કે ટાળવું હોય, એને ભગવાનના નામે ચડાવી દેવાની આપણને બધાને ટેવ હોય છે. ‘પ્રેસીડેન્ટ ટ્રમ્પ આમ કેમ બોલે છે?’ એનો સાવ સીધો ને સાદો જવાબ : “ભગવાન જાણે!”

પરન્તુ આજે સીધાસાદા જવાબોથી દુનીયા ચાલતી નથી. ધર્મો શરુ થયા એ જમાનામાં ટ્રાફીક લાઈટ તો શું, સાયકલ પણ ન હતી, તો ટ્રાફીક લાઈટ આગળ ભગવાને નજર રાખવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય? કાયદાનું ચલણ નહોતું એ તો શું; પણ કાયદા જ નહોતા — રાજા બોલે તે કાયદો, ઋષી–પાદરી–પયગમ્બર કહે તે કાયદો, તે જ ધર્મ, તે જ નીતી. ના કરે તે નાત બહાર થાય કે માથું ગુમાવે. આખી દુનીયામાં ‘Might is Right’નું ચલણ હતું. ‘જેની લાઠી તેની ભેંસ’, જેવી કહેવતો જાણીતી છે. ટુંકમાં, ધર્મ અને નીતી એ બન્ને એક જ ગણાતાં. ફક્ત નીતીશાસ્ત્ર જ નહીં પણ અનેક વીષયો ધર્મની છાયામાં વીરામ પામતા.

આજના પ્રશ્નો સાવ અલગ પ્રકારના છે : કરચોરીના પૈસાથી મન્દીર બંધાવાય? ગર્ભપાત એ નીતી કે અનીતી? ધર્મ ખાતર અસત્ય બોલાય? ગોવધ પર કે બુરખો પહેરવા પર પ્રતીબંધ મુકવો જોઈએ? એવા અનેકાનેક પ્રશ્નો છે. કેટલાક દુરાચારી સાધુઓ, ગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ કે મૌલાનાનાં પાખંડો, રોજેરોજ જન્મતા નવા નવા ભગવાનો ને એમનો (સીધો કે આડકતરો) દ્રવ્યલોભ— આ બધું જ આપણી નજર સામે છે. ધર્મ પુરસ્કૃત વહેમો, વાર્તાઓ અને અસત્યોનો વ્યાપાર આજે ધમધોકાર ચાલી રહ્યો છે. આ બધું સ્વીકારતા હોવા છતાં અસંખ્ય વીદ્વાન અને સમજદાર મનુષ્યો સુધ્ધાં ધર્મને છોડી શકતા નથી; કારણ નાસ્તીકતાને અનીતી ગણવામાં આવે છે. આજના યુગનો આ મહાપ્રશ્ન છે : નીતી શું, ધર્મ શું ને એ બન્ને વચ્ચેનો સમ્બન્ધ કેવો હોવો જોઈએ?

ઉત્ક્રાન્તીમાં પ્રથમ પગથીયે ઉભેલો માણસ કુદરત સામે સાવ લાચાર હતો. સુર્ય, અગ્ની, વરસાદ, વગેરેને સમજી શકતો ન હોવાથી, તે સર્વેમાં એણે અદૃષ્ટ શક્તીમાન તત્ત્વનું આરોપણ કર્યું. એમને દેવ માન્યા. બધી જ પ્રાચીન પ્રજાઓના ભગવાનો કુદરતી બળોના કે યુદ્ધના દેવતાઓ હતા. સુર્ય, અગ્ની, વરુણ, ઈન્દ્ર, એ ઋગ્વેદના દેવો છે. એપોલો, ઝીયસ, માર્સ એ ગ્રીસ–રોમના દેવો છે. આ હતી ધર્મની શરુઆત.

સમુહમાં રહેતો થયો ત્યારે માણસ માટે સ્વરક્ષણ ને શીકાર કરવાનું કામ સહેલું થયું. તેથી એ સહકાર અને કામની વહેંચણી કરતાં શીખ્યો. કુટુમ્બ અને બીજી વ્યક્તીઓ સાથે જુથ, જાતી ને ટોળીમાં રહેવું હોય તો સ્વાર્થ જેવી સ્વાભાવીક વૃત્તી પર કંઈક અંકુશ મુકવો પડે. વહેંચીને ખાવું, ચોરી ન કરવી, એકબીજાને મદદ કરવી, વગેરે ઘણું શીખવું પડે. એ થઈ નીતીની શરુઆત.

નીતી એટલે પરસ્પર લાભ માટે કરવામાં આવતો સહકાર. સત્ય, સહકાર, વીશ્વાસ, પરોપકાર, વગેરે જીવન મુલ્યો કે આદર્શો (Values) કહેવાય છે. બાળકમાં સ્વાર્થ સ્વાભાવીક છે; પણ સહકાર તો એને શીખવવો પડે છે. બાળક એ આદર્શોને સ્વાનુભવથી, કુટુમ્બમાંથી ને સમાજમાંથી મેળવે છે. માનવસંસ્કૃતીએ પણ એની શીશુવયમાં આ રીતે એ મુલ્યોને મેળવ્યાં છે. નીતીશાસ્ત્રનો એ પાયો છે. એના પાલન અને પ્રસાર માટે એ જમાનામાં એક માર્ગ તે રાજાની બીક હતી, બીજો માર્ગ તે ધર્મ.ચોરી કેમ ન કરવી?’ ‘રાજા કે ભગવાન (કે ધર્મ) કહે છે માટે’.  સહેલી ને સ્પષ્ટ વાત, એટલે સાર્વત્રીક અજ્ઞાનના એ જગતમાં દરેકને તરત ગળે ઉતરી જાય. ટુંકમાં, નીતીધ્યેય હતું. ધર્મ એ માર્ગ હતો.

પ્રાચીન સમાજોમાં સમાજને સુવ્યવસ્થીત રાખવા ભગવાનની કલ્પના અને એની અવકૃપાનો ધાક બહુ ઉપયોગી નીવડ્યો. રાજા એટલે ઈશ્વર; અને ઈશ્વર એટલે ધર્મ એટલે નીતી— બધી એક જ વાત. એ કહે તે નીયમો પાળવા જ પડે; અને તો જ સમાજ વ્યવસ્થીત ચાલે. માણસમાં સ્વાર્થવૃત્તી (Self) અને જાતીય વૃત્તી (Sex), એ બે વૃત્તીઓ (instincts) અતીશય પ્રબળ ને જન્મજાત હોય છે. એમનું નીયમન કરી સારો સમાજ રચવા માટે પુરાણયુગમાં બે આદર્શોની રામાયણે સ્થાપના કરી. વ્યક્તીની સ્વાર્થવૃત્તીનું રામાયણે કુટુમ્બભાવનામાં રુપાંતર કર્યું; જાતીય વૃત્તીને અંકુશમાં રાખી લગ્નસંસ્થાને મજબુત કરવા એક પત્નીવ્રતનો આદર્શ સ્થાપ્યો. આ બન્ને આદર્શોની સ્થાપના કરતી નીતીમત્તાનો પ્રચાર વાર્તારુપે સહેલાઈથી થઈ શક્યો. રામાયણની આ અપ્રતીમ સીદ્ધી છે. તેથી આજસુધી હીન્દુ સમાજમાં ધર્મ/નીતી શાસ્ત્રનો એ પાયો બનીને રહ્યું છે. રામચંદ્ર— એ જમાનાના સર્વશ્રેષ્ઠ આદર્શ માનવ હતા. રાવણ રાક્ષસ ન હતો— સુસંસ્કૃત બન્યા પહેલાં બધા માનવો જેવા હતા, તેવો જ રાવણ હતો. વાતને સીધી ને સાદી બનાવવી હોય, તો એકને દેવ માનો, બીજાને દૈત્ય માનો, એટલે તરત સમજાય; સમાજ નીતીમય બને; આદર્શ વીર ઈશ્વર ગણાય.

ધર્મનું આ સર્વશ્રેષ્ઠ કાર્ય હતું— એણે માણસને સંસ્કૃતી આપી. પ્રાચીન યુગોમાં બીજા કશાથી આ કામ થઈ શક્યું નહોત. મનુષ્યને ઈશ્વર સીવાય ચાલે એમ હતું જ નહીં. જ્યારે જ્ઞાન નહીંવત હતું, ધર્મ અને નીતી બન્ને એકબીજાનાં પુરક હતાં, ત્યારે ધર્મની વીશાળ છત્રી નીચે બધું જ્ઞાન માત્ર એક ધર્મશાસ્ત્રમાં જ સમાઈ જતું : વીજ્ઞાન, ખગોળ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નીતીશાસ્ત્ર, બધું જ. એ પ્રાચીન જમાનો આજે ધરમુળથી બદલાયો છે. આજે ધર્મો નીતીવીહોણા થયા છે; સંસ્કૃતીઓના વૈવીધ્યનો પાર નથી, જ્ઞાનનો વીસ્તાર એટલો બધો થયેલો છે કે આ દરેક વીષય ધર્મ કરતાં તદ્દન સ્વતન્ત્ર રીતે પ્રાકૃતીક ને સામાજીક વીજ્ઞાન બનેલ છે. તેથી નીતી અને ધર્મ બન્નેનો વીચાર એકબીજાથી સ્વતન્ત્ર રીતે કરવાની જરુર છે, એટલું જ નહીં પણ એ અનીવાર્ય છે.

બળવાનને નીતીની શી જરુર? કોઈ પણ વ્યક્તી અને સમાજ માટે નીતી એ અનીવાર્ય જરુરીયાત છે. માનવસંસ્કૃતીનો પાયો જ નીતીશાસ્ત્રમાં છે. એક વીચાર કરો : મેં કે તમે વીજળી, વીમાન, ટેલીફોન, કાંઈ શોધ્યું નથી; છતાં એનો લાભ આપણને કેવી રીતે મળે છે? બીજા કોઈએ શોધ કરી, વહેંચી, ને આખા સમાજની પ્રગતી થઈ. મારું એકનું જ્ઞાન અબજો માણસોના સહીયારા જ્ઞાનનો સંવર્ધીત સરવાળો છે, અગણ્ય બૌદ્ધીકોની ગુણવત્તાનો ગુણાકાર છે. સંસ્કૃતીનો પાયાનો સ્રોત આવો સહકાર. ને સહકારનું શાસ્ત્ર એ જ નીતીશાસ્ત્ર. બીનધાર્મીક માણસ સુધ્ધાં સંસ્કૃતીના સામાજીક નીયમો પાળે છે અને નીષેધો સ્વીકારે છે; ભલે એ સ્વીકારનું કારણ ધર્મ હોય કે બીજું કાંઈ હોય. નાસ્તીક માણસ પણ એમ નહીં કહી શકે કે કોઈ પ્રકારના નીતીનીયમોની જરુર નથી.           

પરન્તુ ધર્મ એ જ નીતી, અથવા નીતીનાં મુળ ધર્મમાં હોય, એમ માનવાથી ઘણા મુશ્કેલ પ્રશ્નો ઉભા થાય છે. દા.ત. 1. વીજ્ઞાન અને બીજાં અનેક કારણોથી ધર્મ જેમ જેમ નબળો પડતો જશે, તેમ તેમ નીતીમત્તા ઘટતી જશે. મુળ સડે તો ઝાડ કેટલું ટકે? 2. માતા ને પીતા જુદો ધર્મ પાળતાં હોય, એવા કુટુંબમાં બાળકો કઈ જાતની નીતીને અનુસરશે? ધર્મ સાથે જોડાયેલી હોય એવી નીતી પ્રત્યે બાળકો નીતી વીહીન નહીં, તો નીતી પ્રત્યે ઉપેક્ષા સેવતાં તો જરુર બનશે. 3. અનેક ધર્મો હોય એવા દેશમાં કયા ધર્મથી આખા દેશની રાજનીતી ઘડી શકાશે? ને બધા એને સ્વીકારશે? ધર્મ કરતાં નીતીને વધુ મત આપ્યા વીના આજે છુટકો જ નથી.

નીતીમત્તાનો સૌથી મજબુત પાયો સહકારની સંસ્કૃતીમાં છે, ધર્મમાં નહીં. ધર્મ સીવાય બીજા કોઈ આધાર પર નીતીશાસ્ત્ર ટકી શકે ખરું? અલબત્ત. ઈમેન્યુઅલ કાન્ત અને સ્પીનોઝા જેવા મહાન તત્ત્વજ્ઞાનીઓએ નીતીશાસ્ત્રના સીદ્ધાન્તોની બુદ્ધીગમ્ય અને વીશદ ચર્ચા કરેલી છે :

1. બીજા પાસેથી જેવા વર્તનની તમે અપેક્ષા રાખો, એવું જ વર્તન તમે એના તરફ કરો. આપ ભલા તો જગ ભલા.

2. માણસે પોતાના હીત માટે નીતીનું પાલન કરવું જોઈએ. દા.ત. લાલ લાઈટ આગળ ઉભા રહેવા માટે મારે ઈશ્વરની આજ્ઞાની જરુર નથી; ભયની પણ જરુર નથી; મારા પોતાના ને સમાજના લાંબા ગાળાના હીત માટે એ જરુરી છે.

3. સૌથી વધુ સંખ્યાના માનવોનું, સૌથી વધારે ભલું થાય એ માટે સારા થવું જોઈએ. દા.ત. સાચું બોલવા સીવાય કે લગ્નેતર જાતીય સમ્બન્ધો છોડવા સીવાય માનવ સમાજ સંગઠીત સુવ્યવસ્થીત ન જ રહી શકે. માટે સત્ય, સદાચાર, વગેરે પાળવાં જોઈએ… કૃષ્ણ કે ક્રાઈસ્ટે કહ્યું હોય કે ન કહ્યું હોય, તો પણ તે પાળવાં જોઈએ. સમસ્ત માનવ જાતના હીતમાં એ અનીવાર્ય છે.

આવી બધી સૈદ્ધાંતીક ચર્ચાઓમાં ઉતર્યા વીના આપણે સમજી–સ્વીકારી શકીએ છીએ કે ધર્મ વીના નીતી અને ધાર્મીકતા વીના સજ્જનતા ટકી શકે છે; ધર્મનો અભાવ એ અનીતી નથી; ભલા થવા ભગત થવું જરુરી નથી. ધર્મથી નીતીમય જીવન જુદું પાડી ન શકાય એવી ઝાંખીપાંખી ગેરસમજના કારણે અનેક મનુષ્યો ધર્મને વળગી રહેવા માગે છે. હકીકત એ છે કે અનેક વીદ્વાન વીચારકોએ સ્થાપીત કરેલા (ઉપરના) નીતીશાસ્ત્રના સ્વતંત્ર સીદ્ધાંતો નીતીનો પાયો બની શકે છે. ધર્મ અને નીતી વચ્ચેની કાટ ખાઈ ગયેલી લોખંડી પ્રાચીન કડી માનવ સમાજોએ આજે હવે છોડવી કે તોડવી જ પડશે. સાથે સાથે સમાજ અને નીતી વચ્ચે સોનાની નવીન કડીઓ આપણે રચવી પડશે. નીતીધ્યેય (End) છે, ધર્મ એ માર્ગ (Means) છે. ધ્યેયનું મહત્ત્વ વધારે હોય કે માર્ગનું? નીતીને પ્રાધાન્ય આપી આપણે ધર્મને એના રસ્તે વાળવો પડશે કે છોડવો પડશે. અનીતીમય ધર્મ કરતાં અધાર્મીક નીતી હજાર દરજ્જે સારી છે.               

ધાર્મીકતા ને નીતીમત્તા સાથે રહેતાં હોય એમ હમ્મેશાં બનતું હોતું નથી. આધુનીક તત્ત્વજ્ઞાની બર્ટ્રાન્ડ રસેલ ચુસ્ત અધાર્મીક છતાં અત્યન્ત સૌમ્ય સજ્જન તરીકે જાણીતા પ્રખર બુદ્ધીવાદી હતા. બીજી બાજુ જોઈએ તો, હીટલર ચુસ્ત ખ્રીસ્તી શાકાહારી હતો. માણસ ધાર્મીક હોય માટે જ નીતીમાન કે સદ્‌ગુણી હોય, એમ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. કેટલાક દુરાચારી સાધુઓ, ગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ કે મૌલાના વીશે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ. એથી ઉલટું, કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે?     

નીતીનો સાચો ને સારો પાયો ઈશ્વર હોય કે માનવ સમાજનું હીત હોય? આજે તો ઈશ્વરના નામે જ ભયંકર અનીતી ચાલી રહી છે. ઉદાહરણો અનેક છે… બાળકો ઉપર જાતીય જુલમ ગુજારનાર, સ્ત્રીનું શીયળ લુંટનાર કેટલાક દુરાચારી સાધુઓ, ધર્મગુરુઓ, પાદરીઓ, મૌલવીઓ કે મૌલાના ગમે તે હોય, એ બધા ધર્મના નામે નીતીનું અપહરણ કરનારા સમાજદ્રોહી છે. ઈશ્વર નામનો કોઈ પોલીસમેન કે ધર્મ નામની કોઈ સંસ્થા હોય કે ના હોય, એના ભયથી નીતી પાળવી જરુરી નથી; પરન્તુ સમગ્ર માનવ જાતીનાં અસ્તીત્વ, ઉત્થાપન અને પ્રગતી માટે આવશ્યક એવી નીતી પાળવી આજે અનીવાર્ય છે. એનો પાયો માત્ર સમાજહીત જ છે, અને હોવો જોઈએ. સમાજહીત એટલે, કહો કે ‘વૈશ્વીક માનવવાદ’.

ભારતના અનેક કુટ પ્રશ્નોના મુળમાં આજે નાગરીક નૈતીક વર્તનની ખામી દેખાઈ આવે છે. રોજનો ભ્રષ્ટાચાર, છાશવારે થતાં આર્થીક કૌભાંડો, કરચોરી અને સાર્વત્રીક બીનજવાબદાર વર્તન — આ બધા એના પુરાવા છે. વીશ્વ કક્ષાના બે મોટા અને બીજા બે નાના, એવા ચાર ચાર ધર્મોનો જન્મ જે દેશમાં થયો હોય એ દેશમાં આજે નૈતીકતાની ઉણપ કેમ ઉડીને આંખે વળગે એવી જણાય છે? આપણે બૌદ્ધીકો એ દીશામાં વીચાર નહીં કરીએ તો કોણ કરશે? શ્રી ગુણવંત શાહ જેવા આપણા લોકપ્રીય શ્રદ્ધાવાન ધાર્મીક વીચારક સુધ્ધાં લખે છે : “માણસ પર થતા અત્યાચારોના ત્રણ મુખ્ય સ્રોતો તે ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતી છે. રુગ્ણ સમાજમાં અસત્યનો પ્રચાર ધર્મ દ્વારા થતો હોય છે.” ભલા ભાઈ, કોઈક તો એમને વાંચો!

–સુબોધ શાહ

લેખક અને સીનીયર રૅશનાલીસ્ટ સુબોધભાઈ શાહે ખાસ ‘અભીવ્યક્તી’ માટે મોકલાવેલ આ લેખ અમેરીકાના 34 વર્ષથી પ્રખ્યાત સાહીત્યીક ત્રીમાસીક ગુર્જરી ડાઈજેસ્ટના જુલાઈ, 2019ના અંકમાં પ્રગટ થયો હતો. લેખકશ્રી અને ગુર્જરી ડાઈજેસ્ટના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA Phone: 1–732–392–6689   eMail: ssubodh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકવામાં આવે છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–10–2022

11 Comments

  1. “કોઈ નાસ્તીક જીહાદી કે ક્રુઝેડર થયેલો જાણ્યો છે?” આથી જ મને એક વાર સ્વપ્ન આવ્યું હતું સર્વસત્તાધીશનું, અને મેં આખી દુનીયામાંથી બધા જ ધર્મો નષ્ટ કરી દીધેલા. પણ જાગ્યો તો ખબર પડી કે એ માત્ર સ્વપ્ન જ હતું. ખુબ સુંદર લેખ ભાઈ સુબોધ શાહનો. હાર્દીક આભાર આપનો તથા ગોવીંદભાઈનો.

    Liked by 1 person

  2. Congratulations Subodhbhai and good to hear from you after a long hiatus. Thank you for the above article.
    Nowadays almost all the religions in the world, all over are business. They are for power, money and fame. Morality and ethics are by products. While a true rationalist lives a life with utmost morality, honesty and humanism.
    Thank you for the eye opening article. Thank you Govindbhai for publishing this on your blog. Hope, many would read this.👍

    Liked by 1 person

  3. Great job, good thinking, Subodhbhai. Publish another book after your book “Culture Can kill You”. I agree with your thoughts. Great to read your thoughts. Keep in touch.

    Bharat S. Thakkar, Ph.D.

    Liked by 1 person

  4. આદરણીય વલીભાઈ,
    નમસ્તે…
    ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘ધર્મ વીના નીતી હોય?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    –ગોવીન્દ મારુ

    Like

  5. દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓશનિયા અને યુરોપમાં નાસ્તિકતા વધુ સામાન્ય બની રહી છે ત્યારે કોઈ ધર્મમાં નહિ માનતા લોકોની સરખામણીએ ધાર્મિક લોકો વધુ સુખી કે ખુશ હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા કહે છે.
    ‘ નીતી એ ધ્યેય છે, ધર્મ એ માર્ગ છે. નીતીને પ્રાધાન્ય આપી આપણે ધર્મને એના રસ્તે વાળવો પડશે.’મા સુબોધ શાહનો સ રસ તર્ક પરંતુ ‘અનીતીમય ધર્મ’ અંગે સંતોના મનન-ચિંતનનો અભ્યાસ કરી જરુરી સુધારા કરવા રહ્યા. આ અંગે સુધારા થઇ રહ્યા છે.

    Like

    1. Teno arth ae nathi ke Parmeshwar ma manvanu j chhodi devanu . U.S.A.ma stree – adhikaro mate ladta ane garbhpat karavva “pro – choice”ma Manta loko ne Christian loko ane Churcho ae garbhpaat par control karavyo te gamtu nathi ane mate teo anek Church ane Christianity ni virudhdh chhe ; pan teo Church no virodh karti vakhate nitimatta bhuli jaay chhe . U.S.A. ma 2012 na sattavar aankda pramane garbhpaat (abortion) karavnar streeo ma 13 – 16 varsh ni chhokrio ni sankhya 1.2 % hati ke je bahu moto aankdo chhe ane Christianity no khoto virodh karnara ae bhuli jaay chhe ke teo “pro-choice” na naame vyabhichar ane teenage pregnancy ne j support kari rahya chhe😦. Parmeshwar aava loko ne budhdhi aape , Aameen .

      Like

  6. ધર્મ એટલે religion. ઉર્દુ ભાષા માં મઝહબ. અરબી ભાષા માં દિન. દિન નું શાબ્દિક ભાષાંતર થાય છે “કાયદો” કે “કાનુન”. આ અનુસાર ધર્મ ની વ્યાખ્યા “જિંદગી જીવવાનો કાયદો કે કાનુન” થઈ શકે. જગત નો લગભગ દરેક ધર્મ નીતિ નિયમો થી ભરેલો છે. ધર્મ માનવતા અને સદ્દગુણો શીખવે છે. પરંતુ અત્યાર ના યુગ માં ધર્મ ને અધર્મ બનાવનારાઓ એ માનવીઓ છે જેઓ પરમેશ્વર ના પૃથ્વી પરના પ્રિતિનિધિઓ બની બેઠા છે, અને ધર્મ ને અધર્મ કરી નાખેલ છે.

    ઈસુ ખ્રિસ્તી, ગૌતમ બુદ્ધ પયગંબર મોહમ્મદ સાહેબ વગેરે એ જગત ને નીતિ નિયમો, માનવતા અને સદ્દગુણો શીખવાડેલ છે, જેને ખરેખર જીવન જીવવાની જડ્ડીબુટ્ટી કહી શકાય. પરંતુ અત્યારે ધર્મ ને અધર્મ બનાવી દેનાર પંડિતો, મહંતો, મુલ્લાઓ, મોલ્વીઓ પાસ્ટરો વગેરે પોતે નીતિ નીયમો અને સદ્દગુણો થી ચલીત થઈ ગયેલ છે. No religion is greater than humanity. કોઈ ધર્મ માનવતા કરતા મોટો નથી.

    Liked by 1 person

    1. QUASIMBHAI ABBASBHAI,
      TAMARA VICHAR GHANA SARAS RITE DHARM BABAT LAKHELA CHHE .
      AA DUNIA SWARG BANI JAI ANE AAPNE AANANDTHI RAHI SAKIA.ADHRM
      BAHU VADHI GAYO CHHE. PAHELANI MAFAK JO BHAICHARO RAHE AVE
      SUBHEXA RAKHU !!

      Liked by 1 person

  7. Many thanks to all friends above who took interest in a difficult topic like this and appreciated my thoughts. — Subodh Shah. Oct. ’22.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s