સમ્ભવીતતા અને પ્રચાર

ભગત–પીર પાસે કોઈ દૈવી શક્તી હોય છે? આપણો સમાજ કઈ ઋગ્ણ દશા ભોગવે છે? આંકડાશાસ્ત્રમાં ભણાવાતો સમ્ભવીતતાના સીદ્ધાંતનો જાણીતો દાખલો અને પંજા–મીંડીના જુગારની સમ્ભવીતતા થકી લેખકશ્રીએ આ લેખમાં શું સમજાવ્યું છે? તે જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી…

6

સમ્ભવીતતા અને પ્રચાર

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો પાંચમો લેખ https://govindmaru.com/2019/07/22/suryakant-shah-10/  ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

આંકડાશાસ્ત્રમાં સમ્ભવીતતાનો એક સીદ્ધાંત અને તેનો એક જાણીતો દાખલો છે. એ સીદ્ધાંતનો એક જાણીતો દાખલો સીક્કો ઉછાળવાનો છે. સીક્કાની એક બાજુ ‘છાપ’ અને બીજી બાજુ ‘કાંટો’થી ઓળખાય છે. સીક્કો ઉછાળતા પહેલાં સમ્ભવીતતાના સીદ્ધાંત પ્રમાણે આપણે જણાવી શકીએ કે એ જમીન પર પડે ત્યારે ‘છાપ’ દેખાવાની સમ્ભવીતતા પચાસ ટકા છે. જો એ સીક્કો દસ વાર ઉછાળવામાં આવે અને કોઈ એક માણસ દરેક પ્રસંગે જણાવે કે ‘છાપ’ દેખાશે તો સમ્ભવીતતાના સીદ્ધાંત અનુસાર એ પાંચ પ્રસંગે સાચો પડશે. આ દાખલો ખુબ સાદો છે છતાંએ બરાબર સમજવાનું ખુબ જરુરી છે.

સીક્કો દસ વાર ઉછાળે અને દસ વાર ‘છાપ’ દેખાવાની આગાહી કરનાર પાંચ પ્રસંગે સાચો પડે તો આગાહી કરવાની એની પાસે કોઈ દૈવી શક્તી નથી. સમ્ભવીતતાના સીદ્ધાંત અનુસાર એ આગાહી જ નથી. એ તો સવારે પુર્વમાં સુર્ય ઉગશે જેવું હકીકતદર્શી નીવેદન છે. ભલે એ કથન ભવીષ્યને લગતું હોય છતાં સમ્ભવીતતાના સીદ્ધાંત અનુસાર એ આગાહી નથી.

આ જ તંતને જરા આગળ ખેંચીએ. નાની–મોટી ફરીયાદ લઈને કોઈ એક વ્યક્તીની પાસે પચાસ માણસો આવે અને તે દરેકને જણાવે કે, ‘‘બચ્ચા! અચ્છા હો જાયેગા’’ એના આ આશીર્વચન સાથે એ હોમ–હવન–રાખ–નાળીયેર–કંકુ જેવાને જોડી દે તો એ આશીર્વચન આપનાર દૈવી શક્તીવાળો ગણાતો થઈ જાય. સમ્ભવીતતાનો સીદ્ધાંત છાપ–કાંટા જેવા ઉદાહરણવાળો છે. આથી આપેલા પચાસ આશીર્વાદમાંથી પચ્ચીસ તો સાચા પડવાના જ! આ ગણતરીમાં આપણે હજુ આગળ વધીએ ભગત–પીરની તરફેણમાં ગણતરી લઈ જવા માટે પંજા–મીંડીના જુગારમાં જેમ બને છે તેમ એકથી શુન્ય સુધીના આંકડામાં ચોગ્ગો કે પંજો આવવાની સમ્ભવીતતા દશે એકની એટલે કે દશ ટકા હોય છે. છાપ–કાંટાને બદલે પંજા–મીંડીના જુગારમાં જે દશ ટકાની સમ્ભવીતતા ગૃહીત છે તે ભગતના ધન્ધામાં લગાડીએ તો એને ત્યાં આવેલા ‘અકથીત દર્દ’ના 771 માણસોના દશ ટકા એટલે કે 77 દર્દીઓની ફરીયાદ દુર થાય તો પણ કહી શકાય કે આ ભગત પાસે કોઈ દૈવી શક્તી નથી. યાદ રાખીએ કે છાપ–કાંટાની સમ્ભવીતતા અનુસાર 385 દર્દીઓની ફરીયાદ દુર થાય તો પણ ભગત–પીરમાં કોઈ દૈવી શક્તી નથી.

બીજી બાજુ આ જ બાબત જે વીજ્ઞાન છે તે એલોપથીની દવાને લાગુ પાડીએ. છાપ–કાંટામાં સમાવીષ્ટ સમ્ભવીતતાને બદલે પંજા–મીંડીના જુગારની સમ્ભવીતતા કામે લગાડીએ. માનો કે ક્વીનાઈનની ગોળી મેલેરીયાના એકસો દર્દીઓને આપવામાં આવે. એક કમ્પનીની ગોળી લેવાની બધી શરતોનું પાલન કરીને દર્દીઓ તે લે. અન્તે જો દશ ટકા એટલે કે દશ દર્દીઓનો મેલેરીયા કાબુમાં નહીં આવે તો એ દવા બનાવનારી કમ્પની ચોંકી જાય છે. ડૉક્ટરો એ કમ્પનીની ક્વીનાઈન ખાવાની ભલામણ કરવાનું બન્ધ કરી દે છે. બરાબર ધ્યાનમાં રાખવું કે એકસોમાંથી નેવું દર્દીઓ સારા થઈ ગયા છે. ભગત–પીરના કીસ્સામાં આ આંકડા ઉંધા કરી દઈએ. એટલે કે, આ ભગતના 771માંથી 77ની ફરીયાદ દુર થાય અને 694ની ફરીયાદ દુર નહીં થાય અથવા તો સમય વહેતાની સાથે દર્દી, દર્દને ભુલી જાય (કારણ કે, મોટા ભાગની ફરીયાદ મનોવૈજ્ઞાનીક હોય છે) પંજા–મીંડીના સમાવીષ્ટ સમ્ભવીતતા અનુસાર ભગત–પીરની દૈવી શક્તી કે તેના વીશીષ્ટ પ્રયત્નોથી તે ફરીયાદ દુર થતી નથી. એ કલ્પના કરો કે વૈજ્ઞાનીક કસોટીમાંથી પાર ઉતરેલા એક સર્જને કરેલી એકસો શસ્ત્રક્રીયાઓમાંથી નેવું નીષ્ફળ જાય અને દશ સફળ થાય! શું થાય એ સર્જનનું! બીજી બાજુ, ભગત–પીરને ત્યાં આવેલા ફરીયાદીઓ પૈકી દશ ટકાની ફરીયાદ ભગત–પીરની કોઈ પણ દૈવી શક્તી વીના કે વીશીષ્ટ પ્રયત્નો વીના દુર થતી હોય છતાં 77ના કીસ્સામાં જે કંઈ બન્યું, તે એમની દૈવી શક્તીને કારણે બન્યું, એવો દાવો કરવામાં આવે છે! આપણા સમાજમાં એવું બને છે કે એમ. એસ. થઈને શસ્ત્રક્રીયા કરતાં સર્જન દશ ટકા કીસ્સામાં નીષ્ફળ જાય તો એ ઘેર બેસે છે. દશેક ટકા નીષ્ફળ દર્દીઓમાંથી એકાદ વળતરનો દાવો માંડે તો સર્જન નાદાર થઈ જાય છે. બીજી બાજુ, ભગત–પીરને ત્યાં આવેલાઓ પૈકીના નેવુ ટકાની ફરીયાદનો નીકાલ નહીં થાય અને માત્ર દશ ટકાની  ફરીયાદનો કુદરતી રીતે નીકાલ થાય તો તે ભગત–પીરને આણો સમાજ પાલખીમાં ફેરવે છે. એનાં માન–પાન, કમાણી અને ધન્ધો ખુબ  વધી જાય છે! આ આખી પરીસ્થીતી આપણા માંદા સમાજની ચાડી ખાય છે.

આ ભગત પાસે એક વર્ષમાં ‘અકથીત રોગ’ના 771 રોગીઓ આવ્યા. એમાંથી 77ની ફરીયાદો જો આપમેળે પણ દુર થાય એટલે કે 77 માણસો ભગતના ભક્તો બની જાય છે. પ્રચારકો બની જાય છે!

આપણા સમાજની રુગ્ણતા એ છે કે જ્યારે આ 77 માણસો ભગતની ચમત્કારીક શક્તીનો પ્રચાર કરે છે ત્યારે બાકીના 674 બીલકુલ મુંગા રહે છે. એમની ફરીયાદોનો નીકાલ નહીં થયો તે માટે તેઓ પોતાના નસીબને દોષ દે છે. એમને એવો વીચાર નથી આવતો કે ફરીયાદના નીકાલ માટે એ દૈવી શક્તી(?) ધરાવનાર ભગત પાસે ગયા હતા તો પછી એ ભગતે કર્યું શું? આમ પ્રચારના મોરચે સાચી હકીકત દર્શાવી શકે એવા 694 માણસો મુંગા રહે છે અને કુદરતી રીતે જેમની ફરીયાદ દુર થઈ છે તેવા 77 માણસો અસરકારક પ્રચારક બની જાય છે!

આપણો સમાજ એટલો બધો અશીક્ષીત અને અવૈજ્ઞાનીક છે કે સમ્ભવીતતાના સાદા સીદ્ધાંતને સમજતો નથી. સમજવા માંગતો નથી. આપણો સમાજ એટલી ઋગ્ણ દશા ભોગવે છે કે જેમાં 694 માણસો મુર્ખ બન્યા તો તે બોલતા નથી. તેની સામે 77 માણસો વગર કારણે ભગતને જશ આપે છે અને અપાવે છે. એકબાજુ, આપણી નીખાલસતા એટલી બધી છે કે જેથી ત્રાહીત એવા ભગત–પીર ફરીયાદી–દર્દીનું કોઈ પણ પ્રકારનું શોષણ કરી શકે છે અને બીજી બાજુ, આપણે એટલા મીંઢા રહીએ છીએ કે જેથી 694 માણસોના અનુભવ મુંગા–મન્તર થઈ જાય છે!

ભગત–પીર પણ એવી ગ્રન્થીથી પીડાય છે કે એમના બોલ સાચા પાડવા માટે જ બોલાય છે. એ લોકો નેવું ટકામાં સાચા પડતા નથી અને દશ ટકામાં સમ્ભવીતતાનાં સીદ્ધાંતાનુસાર વાસ્તવમાં સાચા પડતા નથી જ. આ પૈકી જે એકલ–દોકલ દર્દી ફરીયાદ કરવા આવે તો એમને ભગત–પીર એવું ઠસાવે છે કે એમણે તો બધું બરાબર કરેલું; પણ દર્દીએ અમુક–અમુક ખામી રાખી અથવા તો એને કોઈ ભારે ગ્રહદશા નડી! આથી, આ ભગતના 771 કેસોથી ભરેલા ચાર–ચાર ચોપડામાં એણે કશે પોતાની નીષ્ફળતાનો એકરાર કર્યો નથી.

જ્યાં એને નીષ્ફળતા દેખાઈ ત્યાં એણે એવા કેસના લખાણ પર ચોકડી મારી છે અને તેવા ચોકડીવાળા લખાણની નીચે થોડા કીસ્સામાં ‘શ્રદ્ધા નથી’, ‘જોવાનું નથી’ જેવા શબ્દ પ્રયોગ કર્યા છે. ભગતે આવું પ્રભાવક વાતાવરણ પેદા કર્યું હોય ત્યારે નીચેના નમુનાવાળા પત્રો ઘણા સુચક છે અને તે મહત્વના ગણી શકાય. (અસલ ઓળખ છુપાવીને)

(1) મામા હું તમારે આશરે છું. તમે મોભમાં આવ્યા છતાં પણ આવો ત્રાસ કેમ ચાલુ છે? તેનું શું છે? (લખનાર એક મહીલા છે. –સુ. શાહ)

(2) 11માં મહીનામાં 16 તારીખે સુરત ટાઈમમાં આવેલી. 12માં મહીનામાં 10 તારીખે આવી. ફાયદો કંઈ પણ નથી થયો. છ મહીના થઈ ગયા. (આ બાઈએ એના પતી સાથેનો ફોટો મોકલાવ્યો છે. –સુ. શાહ)

ભગતને મોટા ભાગના ફરીયાદીઓ રુબરુ મળ્યા હતા. ભાગ્યે જ કોઈ પત્ર લખતું હતું. ભગતની નીષ્ફળતાનો કોઈક ફરીયાદીએ રુબરુમાં જણાવી હોય તો તેનો ઉલ્લેખ ભગતે ચોપડામાં કર્યો નથી. આમ, સમ્ભવીતતાના સીદ્ધાંતાનુસાર સમ્પુર્ણ નીષ્ફળ જતા ભગત–પીર જે અલ્પસંખ્ય ફરીયાદોનો કુદરતી રીતે નીકાલ થતો હોય છે તેને પ્રચારનો મુદ્દો બનાવી પોતાની દુકાન ધમધોકાર ચલાવતા હોય છે.

 –પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : ‘સત્યશોધક સભા’, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/)માંનો આ 6ઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 36થી 39 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શા, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 26–08–2019

6 Comments

  1. “આ ભગત પાસે એક વર્ષમાં ‘અકથીત રોગ’ના 771 રોગીઓ આવ્યા. એમાંથી 77ની ફરીયાદો જો આપમેળે પણ દુર થાય એટલે કે 77 માણસો ભગતના ભક્તો બની જાય છે. પ્રચારકો બની જાય છે!” – –પ્રા. સુર્યકાન્ત શાહ

    સત્ય તો એ છે કે આ ૭૭ અંધ શ્રદ્ધાળુ માણસો ભગતના ભક્તો બની ગયા પછી બીજા ૭૭૭ અંધ શ્રદ્ધાળુ માણસો ભગત પાસે લાવે છે અને આ રીતે આવા પાખંડી ભાગતો નો ધંધો ચાલે છે. આ રીત મુસ્લિમ સમાજ માં પણ પાખંડી પીરો અને મુલ્લાઓ પાસે પ્રચીલિત છે

    Liked by 1 person

  2. Inspite of many these type of examples & fact stories published in Newspapers,magazines, even highly qualified persons believe these types of bhagat .It is fault of education system , our culture & habit of finding solution from other by short cut which is human nature.It is also not uncommon in so called educated developed countries.Only education with scientific & rational approach is way.

    Liked by 1 person

  3. Law of Possibility……શક્યતા…..સંમ્ભવિતતા……..
    Possible….શક્ય , સંભવિત…..
    Possibly….કદાચ….દરેક માણસ તેના રોજીંદા જીવનમાં પણ શક્યતાની જ જીંદગી જીવતો હોય છે…..તેને આ નિયમ ની ખબર નથી હોતી.
    ઘર્માંઘતા ( અંઘશ્રઘ્ઘા )તેને તેના આદ્ય દેવની મહેરબાની ઉપર બઘુ છોડી દેવા દોરે છે. પછી….કહેશે કે , ‘ જેનું જેવું નસીબ.‘ લખાવીને લાવેલાં તે થાય…..
    સાઘુઓ, પાખંડીઓ, ચમત્કારીઓ, બાવાઓ, ગુરુઓ, મહંતો, વિ…વિ….બઘા જ આ નિયમને જાણતા હોય છે અને તેઓ તેના બળે સામાન્ય લોકોને લુટે છે.
    અંઘશ્રઘ્ઘા ,અભણતા અને પૂર્ણ અસમજ તે…લોકોને….લુટારુઓને ચરણે ઘરી દે છે.
    વિજ્ઞાનના કોઇપણ નિયમ અંઘશ્રઘ્ઘાળુ અને અભણને લાગુ પડતા નથી.
    આભાર.
    અમૃત હઝારી

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s