રૅશનાલીઝમ અને તેનો પાયો

રૅશનાલીઝમનો જીવાતુભુત સમ્બન્ધ બુદ્ધી સાથે નહીં; પરન્તુ ‘રીઝન’ એટલે કે વીવેકશક્તી સાથે છે. સત્ય–અસત્ય, સારું–ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તી તે વીવેક, દા.ત.; ‘હનીર–ક્ષીર વીવેક’ એટલે પાણી અને દુધને ઓળખી, અલગ તારવવાની આવડત, ‘વીવેચન’ શબ્દને પણ આ જ અર્થમાં ‘વીવેક’ શબ્દ સાથે સમ્બન્ધ છે. સારાંશ એ જ કે રૅશનાલીઝમનો પાયો માણસની બુદ્ધી (ઈન્ટલીજન્સ) નહીં; પણ વીવેકબુદ્ધી (રીઝન) છે. [………………]

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :

રૅશનાલીઝમ અને તેનો પાયો

–રમણ પાઠક (વાચસ્પતી)

(‘મધુપર્ક’ પુસ્તકના ગત લેખનો સ્રોત : https://govindmaru.com/2020/05/01/raman-pathak-45/ )

Rationalism may be defined as the mental attitude which unreservedly accepts the supremacy of reason and aims at establishing a system of philosophy and ethics verifiable by experience and independent of all arbitrary assumptions of authority.

લંડનના રૅશનાલીસ્ટ એસોસીએશને ‘રૅશનાલીઝમ’ની વ્યાખ્યા ઉપર મુજબ આપી છે, જેનો ગુજરાતી અનુવાદ નીચે મુજબ અત્રે પ્રસ્તુત કરી, એને આધારે ‘રૅશનાલીઝમ’ શબ્દનો ગુજરાતી પર્યાય નીશ્ચીત કરીએ, અને એ અનીવાર્ય છે; કારણ કે સુશીક્ષીતો તથા વીદ્વાનો સહીત, સામાન્ય જાણકાર જનો બધા જ આ શબ્દનો અર્થ કરતાં, એની વીભાવનાને બુદ્ધી સાથે સાંકળે છે અને ‘બુદ્ધીવાદ’, ‘બુદ્ધીનીષ્ઠતા’ જેવા અર્થો બનાવી કાઢી, રૅશનાલીસ્ટ વ્યક્તીને ‘બુદ્ધીવાદી’, ‘બુદ્ધીનીષ્ઠ’ કહી ઓળખાવે છે; પરન્તુ પ્રારમ્ભે ટાંકેલી વ્યાખ્યામાંથી એક સ્પષ્ટ હકીકત સીદ્ધ થાય છે કે એમાં ક્યાંય બુદ્ધી એટલે કે ‘ઈન્ટેલીજન્સ’ શબ્દ જ પ્રયોજાયો નથી. અર્થાત્ રૅશનાલીઝમને બુદ્ધી! સાથે એના ચાલકબળરુપે કોઈ નીર્ણાયક સમ્બન્ધ નથી. હવે ઉપર્યુક્ત વ્યાખ્યાનું ભાષાંતર :

રૅશનાલીઝમ એક એવો માનસીક અભીગમ છે કે, જેમાં વીવેકશક્તી તથા તર્કશક્તી (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતું ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધીકારી મનાતાં કોઈ પણ વ્યક્તી ગ્રંથ (ઓથોરીટી)ની એકપક્ષી માન્યતાઓથી સદન્તર મુક્ત હોય અને જે તરાહને તર્ક તથા વાસ્તવીક અનુભવ–પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સીદ્ધ કરી શકાતી હોય.

સ્પષ્ટ જ છે કે રૅશનાલીઝમનો જીવાતુભુત સમ્બન્ધ બુદ્ધી સાથે નહીં; પરન્તુ ‘રીઝન’ એટલે કે વીવેકશક્તી સાથે છે. અલબત્ત, ગુજરાતી ભાષામાં વીવેક શબ્દનો અર્થ વીનય કે વીનયી વ્યવહાર એવો જે કરવામાં આવે છે એ અર્થમાં અત્રે એને સમજવાનો નથી; પરન્તુ સંસ્કૃતમાં આ શબ્દનો મુળ અર્થ જે એવો છે કે સત્ય–અસત્ય, સારું–ખોટું અથવા તો વસ્તુને યથાર્થ રીતે પારખવાની, પ્રમાણવાની શક્તી તે વીવેક, દા.ત.; ‘હનીર–ક્ષીર વીવેક’ એટલે પાણી અને દુધને ઓળખી, અલગ તારવવાની આવડત, ‘વીવેચન’ શબ્દને પણ આ જ અર્થમાં ‘વીવેક’ શબ્દ સાથે સમ્બન્ધ છે, મતલબ કે બન્ને શબ્દનું મુળ એક જ છે. સારાંશ એ જ કે રૅશનાલીઝમનો પાયો માણસની બુદ્ધી (ઈન્ટલીજન્સ) નહીં; પણ વીવેકબુદ્ધી (રીઝન) છે. માટે જ ઓક્સફર્ડ ડીક્શનેરી પણ બરાબર આવો જ અર્થ આપે છે : Theory that reason is the foundation of certainty is knowledge અર્થાત્ ‘જ્ઞાનની પ્રાપ્તીનો પાયો વીવેકબુદ્ધી છે એવો સીદ્ધાંત તે રૅશનાલીઝમ.’

મનુષ્ય એ બુદ્ધીશાળી પ્રાણી છે (ઈન્ટેલીજન્ટ); પરન્તુ તે હમ્મેશાં વીવેકશક્તીસમ્પન્ન હોતું નથી. એરીસ્ટોટલે ભલે એવી વ્યાખ્યા મનુષ્યની કરી કે ‘મેન ઈઝ એ રૅશનલ એનીમલ’; પરન્તુ આ વાત સાચી નથી. મનુષ્ય બુદ્ધીશાળી જરુર છે; પરન્તુ એની બુદ્ધી જ ઘણી વાર તેને વીવેકરહીત બનાવે છે, અર્થાત્ એ વીવેકબુદ્ધીસમ્પન્ન (રૅશનલ) પ્રાણી નથી જ. માટે જ વીખ્યાત ફીલસુફ હેન્ગી બર્ગસો કહે છે :

‘Home sapiens, the only creature endowed with reason, is also the only creature to pin its existence on things unreasonable.’ એટલે કે માનવી એકમાત્ર એવું પ્રાણી છે, જેને વીવેકબુદ્ધી પ્રાપ્ત થઈ છે; છતાં તે જ એકમાત્ર એવું પ્રાણી છે કે જેના પોતાના જીવનનાં અનેક કાર્યો વીવેકબુદ્ધીરહીત પ્રવર્તે છે. ભાવાર્થ સ્પષ્ટ તથા સત્ય જ છે.

હોમો સેપીયન એટલે કે માણસ પોતાની બુદ્ધી–કલ્પના વડે એવી એવી માન્યતાઓ સર્જે છે કે જે માન્યતાઓ માટે વીવેક કે તર્કનો કોઈ આધાર જ નથી, અર્થાત્ એ અસત્ય છે અને મનુષ્ય સીવાયનું કોઈ પણ પ્રાણી કદાપી એવી માન્યતાઓનો ભોગ બનતું નથી. દા.ત.; મનુષ્ય માને છે કે ભગવાન જેવી કોઈ સર્વજ્ઞ, સર્વશક્તીમાન, સર્વવ્યાપી શક્તી છે; જેણે આ વીશ્વનું સર્જન કર્યું છે તથા સતત તેનું સંચાલન પણ તે જ કરી રહી છે. આવી કલ્પનાને વશ થઈ; પછી તે તથાકથીત ઈશ્વરની પ્રાર્થના કરે છે ઈત્યાદી. બીજી બાજુ કોઈ પણ માનવેતર પ્રાણી ભગવાનમાં માનતું નથી, પ્રાર્થના કરતું નથી, કથાપારાયણો યોજતું નથી, સત્યનારાયણની કથા કરાવતું નથી, અપવાસ કે એકટાણાં કરતું નથી, બાધાઆખડી રાખતું નથી, દીવા–આરતી. ધુપધુમાડા કે હોમહવન કરતું, કરાવતું નથી, ભુતભુવા ધુણાવતું નથી કે આ ધર્મ મારો ને તે તારો એવા ભેદભાવ રચી, એકબીજાનાં ગળાં રહેંસતું નથી વગેરે… વગેરે. આ બધી બાબતોમાં પ્રાણીઓ કરતાં મનુષ્ય વધુ મુર્ખ સાબીત થાય છે. વળી, પ્રસ્તુત મુર્ખતાના મુળમાં તેની બુદ્ધી જ રહેલી છે. વીખ્યાત લેખક આલ્ડુસ હકસલીએ એક પ્રસંગના સન્દર્ભે યોગ્ય જ લખ્યું છે કે ‘Sometimes animals behave more rationally than men.’ અર્થાત્ કેટલાક પ્રસંગે મનુષ્યની સરખામણીમાં પ્રાણીઓનું વર્તન વધુ વીવેકબુદ્ધીયુક્ત હોય છે. ઉક્ત પ્રસંગે નીચે મુજબ છે :

પોતાના ભારતપ્રવાસ અન્તર્ગત આ લેખક–હકસલી એક દીવસ વારાણસી–કાશીની મુલાકાતે આવેલો. યોગાનુયોગ તે જ દીવસે સુર્યગ્રહણ હતું. પચાસ–સાઠ વર્ષ પુર્વેની આ ઘટના છે. કાશીમાં ગંગાનદીને કાંઠે લાખ્ખો ભાવીક ભક્તો જમા થયા હતા. કેટલાક ભજનો લલકારતા હતા, કેટલાક વળી સંસ્કૃત સ્તોત્રપાઠ કે મન્ત્રોચ્ચારણ કરી રહ્યા હતા. અમુક લોકો પુરોહીત પાસે પુજાપાઠ કરાવતા હતા, બધા જ અપવાસી હતા, દાનદક્ષીણા આપતા હતા, સ્નાનની તૈયારીઓ કરતા હતા, ઈત્યાદી. એ સર્વનો હેતુ એક જ હતો : સુર્યદેવતાને રાહુ ગળી ગયો છે એમાંથી તેને છોડાવવો. પ્રસ્તુત મહાન આપત્તી માનવીની પ્રાર્થનાથી જ દુર થાય, જે સીદ્ધ થતાં જ પછી ગંગાસ્નાન કરી પવીત્ર થવાનું અને ત્યાર બાદ જ જલપાન–ભોજનાદી થઈ શકે.

આવી લાખોની મેદની વચ્ચે, યથાવત જ ભીખારીઓની લાંબી લંગાર પણ લાગી ગઈ હતી; જેમાં કેટલાક અન્ધ ભીખારીઓએ પણ જમાવ્યું હતું. આ અંધોએ પોતાની સામે થાળી જેવું કોઈ વાસણ ગોઠવી રાખ્યું હતું, જેમાં દાનેશ્વરી લોકો પૈસોપાઈ યા ખાવાનું નાખી જતા. સર્વત્ર હોય છે તેમ, આ બેકાબુ ટોળાં વચ્ચે ગાયો ને આખલાય રખડતાં જ હતા. એમાંથી એક આખલો એક અન્ધ ભીખારીના પાત્રમાં પડેલું અનાજ લહેરથી બીનધાસ્ત ઝાપટવા લાગ્યો.

આ જોઈ લેખકને થયું કે મનુષ્ય કેવું બેવકુફ પ્રાણી છે, આશરે સાડાઆઠ કરોડ માઈલ દુર આવેલા સુર્ય નામના એક તારાની આડે ઘડીભર ચન્દ્ર નામનો એક નાનકડો પીંડ એના નીયમીત ભ્રમણવશ આવી ગયો છે, જેથી ક્ષણીક અન્ધાર જેવું થયું છે. એમાં તો આ ગાંડું લોક પેલા તારાને છોડાવવા પ્રાર્થના, ભજનધુન, દાનપુણ્ય ને ભુખ્યા પેટે ગંગાસ્નાનની તૈયારી કરી રહ્યું છે; બીજી બાજું, આ આખલાને એવી કશી જ ફીકરચીંતા નથી, એને કોઈ વહેમ કે ભય પીડતાં નથી. એને તો બસ ભુખ લાગી છે અને સામે જ ખાવાનું પડ્યું છે તો બેફીકર ખાઈ લેવાનું. જાણે કે તે જાણતો જ હોય કે પ્રકૃતીના નીયમ મુજબ જ ચન્દ્ર યથાકાળે ખસી જવાનો છે અને સુર્ય પ્રસ્તુત ગ્રહણમાંથી છુટવાનો જ છે. ખરેખર જ ઘણીય વાર પ્રાણીઓ મનુષ્યની અપેક્ષાએ વધુ વીવેકપુર્વકનો વર્તાવ કરે છે, તેનું કારણ એ જ કે તેનામાં સારી કે ખોટી, સાચી કે જુઠી માન્યતા ગ્રહણ કરવાની બુદ્ધી જ નથી; મતલબ કે આખલો રૅશનાલીસ્ટ નથી; પરન્તુ એનું તે પ્રસંગનું વર્તન ખરેખર રૅશનલ જ છે, જેના મુળમાં બુદ્ધી કે વીચારશક્તીનો અભાવ છે.

કહેવાનો ભાવાર્થ એ જ કે કેવળ બુદ્ધીથી રૅશનાલીસ્ટ થઈ શકાતું નથી, રૅશનલ વીચાર, વ્યવહાર માટે તો સમ્બન્ધીત વ્યક્તીમાં વીવેકબુદ્ધી જોઈએ. વીવેકબુદ્ધી એટલે શું સત્ય અને શું અસત્ય? શું સારું ને શું ખરાબ? એ નક્કી કરવાની શક્તી કે સુઝ. હવે આ નક્કી કરવું કેવી રીતે? ધાર્મીકો, આસ્તીકો અર્થાત્ જેઓ રૅશનાલીસ્ટ નથી એવાઓ તો કોઈ ગુરુ યા ધર્મગ્રંથના ફરમાન મુજબ જ સ્વીકારી લે છે કે અમુક ઘટના સત્ય કે અસત્ય : દા.ત.; હજી આજેય અમુક ધર્મના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, ‘પૃથ્વી ગોળ નથી, તે ફરતી પણ નથી અને માનવી ચન્દ્ર પર પહોંચ્યો નથી ઈત્યાદી’. આનું કારણ એટલું જ કે એમના સાધુ–ગુરુઓ એમ જાહેર કરે છે ને તેઓ અમુકતમુક ધર્મગ્રંથને ટાંકે છે; પરન્તુ ઉપર જણાવ્યું તેમ રૅશનાલીસ્ટ કોઈ ધર્મગુરુ કે ધર્મગ્રંથના વચનને આખરી સત્ય માનતો જ નથી. તો તે અમુક સત્ય અને અમુક અસત્ય એમ નક્કી કરી કેવી રીતે શકે?

આ પ્રશ્નનો જવાબ છે : પ્રથમ તો કોઈ પણ વીચાર કે ઘટના તર્ક વડે સમ્પુર્ણ સ્વીકાર્ય સીદ્ધ થવી જોઈએ. બીજું ઉક્ત વસ્તુ આમ તર્કમાં બેઠા પછી, સાક્ષાત અનુભવ સાથે એનો પુરેપુરો મેળ મળવો જોઈએ અને ત્રીજું એ કે એવી માન્યતા કે તારણને પછી વૈજ્ઞાનીક પ્રયોગ દ્વારા ચકાસતાં તે સત્ય સીદ્ધ થવાં જોઈએ : અર્થાત્ સત્યસીદ્ધીના ત્રણ પગથીયાં છે : તર્ક, નક્કર અનુભવ તથા પ્રયોગ. આ ત્રણ શરતો જ રૅશનાલીઝમનો પાયો છે, શરત એટલી જ કે તર્ક સમ્પુર્ણ લૉજીકલ (શાસ્ત્રીય) અને અનુભવ સો ટકા તટસ્થ, નીરપેક્ષ તથા નક્કર હોવો જોઈએ; જ્યારે પ્રયોગ સમ્પુર્ણ વૈજ્ઞાનીક પદ્ધતીએ જ થવો જોઈએ. આ ત્રણમાંથી પ્રથમ બે શરતોમાં માણસો ખુબ ગોથાં ખાઈ જાય છે. કેવળ સામાન્ય માણસ જ નહીં; વીદ્વાન, શીક્ષીત કે મહાન ગણાતી વ્યક્તો પણ તર્કદોષનો ભોગ બને છે અને કલ્પના કે ભ્રમણાને નક્કર અનુભવ માની લેવાની માનસીક નીર્બળતા દાખવે છે. એ જ પ્રમાણે શું સારું અને શું ખરાબ, અર્થાત્ શું કાર્ય અને શું અકાર્ય એ વીભાવનાઓની રૅશનાલીસ્ટ વ્યાખ્યા તો વળી એકદમ સરળ છે : જે કાર્ય કે માન્યતા માણસજાતને હાની કરે તે ખરાબ અને ત્યાજ્ય, જ્યારે જે લાભકર્તા નીવડે તે સુકૃત્ય એટલે કે સારું. દા.ત.; કોઈનું હીત કરવું તે પુણ્ય અને અહીત કરવું, કોઈને હાની પહોંચાડવી તે પાપ ઈત્યાદી. છતાં ધારો કે કોઈનું હીત કરવાની તમારી સમર્થતા ન હોય તો પણ કોઈનું અહીત ન કરો એય સારું જીવન જ ગણાય.

આમ સમગ્રપણે ચકાસતાં ‘રૅશનાલીઝમ’ માટે ગુજરાતી પર્યાય હું ‘વીવેકબુદ્ધી’ એવો સુચવું છું, જે હવે તો ઠીક ઠીક પ્રચલીત પણ બની ચુક્યો છે. આ શબ્દમાં ‘બુદ્ધી’ એટલે ‘ઈન્ટેલીજન્સ’ નહીં; પરન્તુ પ્રબુદ્ધતા અર્થાત્ જેની વીવેકશક્તી પ્રબુદ્ધ એટલે કે જાગ્રત છે તે ‘વીવેકબુદ્ધીવાદીરૅશનાલીસ્ટ’.

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/) તે પુસ્તક ‘મધુપર્ક’ના રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના દ્વીતીય પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 27થી 30 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

 

8 Comments

 1. Now is the time for people to rise and wake up from the slumber of faith and false rituals and traditions which have become redundant.
  Now is time to wake up and use the wisdom of logic to be a rationalist, humanitarian and skeptic.
  Late Ramanbhai said all in this short article and thank you Govindbhai for republishing on this blog.

  Liked by 1 person

 2. પૂ.રમણભાઇ,
  તમે દાખલાઓ વડે સમજાવીને ‘ રેશનાલિઝમ ‘ શબ્દને ગુજરાતિકરણમા. ‘ વિવેકબુઘ્ઘિ ‘ શબ્દરુપ આપ્યુ તે ખૂબ ગમ્યું. અને સ્વીકાર્ય છે. તમારા લેખનો છેલ્લો મોટો ફકરો કે જેની શરુઆત આ પ્રમાણે થાય છે…‘આ પ્રશ્નનો જવાબ છે;….
  રેફરન્સ વાક્ય : ‘ આ ત્રણમાંથી પ્રથમ બે શરતોમાં માણસો ખુબ ગોથાં ખાઇ જાય છે. કેવળ સામાન્ય માણસ જ નહીં; વિદ્વાન, શીક્ષીત કે મહાન ગણાતી વ્યક્તો પણ તર્કદોષનો ભોગ બને છે. અને કલ્પના કે ભ્રમણાને નકાર અનુભવ માની લેવાની માનસીક નીર્બળતા દાખવે છે……..‘
  રમણભાઇઅે જે કાંઇ સમજાવવાનું હતું તે આ વાક્યમાં કહી દીઘુ છે. પરંતું ….ખુબ ભારે…હેવી…હતુ જે ઘણાને પાચન થવાનું નામ નહિ લે….અપચો કરે….
  અથવા તો….જુના મુળીયા જે નંખાઇ ગયેલાં તેની સાથે બાંઘછોડ કરી નહિ શકવાની ક્ષમતા…..જેમકે દારુડીયો દિવાલને પકડી રાખે અને કહે થાંભલો મને છોડતો નથી…..
  પૂ. રમણભાઇને લાખો પ્રણામ.
  ગોવંદભાઇને અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. Gujarati Bhasha ni je abhivyakti ta me karo chho-te shabdo kadach navi pedhi ne arth samjava mate y google ma shodhavu pad she
  halat khub j kharab chhe
  parents ne temna dikara ke dikari o convent ma bhane ane Gujarati hova no GARV khovai gayo chhe
  kakko barakhadi swar and vyanjan Gujarati ma navi generation ne(nava dikara-dikario ne samajav vu j pad ashe baaki badhu gatar ma jashe
  bapuji and mota kaka no arth pan aa navi pedhi samajati nathi Maasi ne mother look ke mother see kahe nar santano mate y BUTTHA parents GARV ka re chhe
  schooling sav khatare gayu chhe
  rasto na hi shodho ane JAGRUT nahi thav to je rite HINDI bhashi o ae sanskrut ni pattar khandi naakhi chhe te vu ke te thiye kaharb bhavishya Gujarati bhasha nu thashe j
  YAGN ke YAJN ne YAGYA bola nara buttha o ne bhan nathi j
  jay HO Mari GUJU Bhasha no

  Like

 4. મીત્રો,
  મારા લખાણમાં અેક બે ભૂલો રહી ગઇ છે તે સુઘારીને વાંચવા વિનંતિ છે. પ્રથમ ‘ ગુજરાતી ‘ શબ્દની જોડણી.
  બીજી… દારુદીયો…દિવાલને પકડી….દિવાલ ને બદલે થાંભલો વાંચવા વિનંતિ છે.
  ાાઆભાર.
  અમૃત હઝારી.

  Like

 5. પૂ. રમણ સાહેબે ખૂબ જ સરસ વાત કરી છે. કુદરતે આપેલી દરેક વસ્તુનું જતન કર,અન્ય જીવને મદદ કર અને આવું કરવામાં અસમર્થ હોય તો કોઈનું બૂરું,ખરાબ કે નુકશાન ના કર. દરેક ધર્મના મૂળમાં આ જ ઉપદેશ છે. પરંતુ ધર્મના એજન્ટો પોતાની દુકાનો ચલાવવા માટે ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને પોતે લાખો કરોડો કમાય છે. વૈભવી જીવનશૈલી જીવે છે. સમાચારો માં રોજ આપણે આવું જોઈએ છીએ છતાં પણ લોકો આવા એજન્ટો ઓળખી શક્યા નથી. જે ખૂબ જ દુઃખની વાત છે. એકવીસમી સદી વિજ્ઞાન અને ટેક્નોલોજી ની છે. છતાં લોકો અંધશ્રદ્ધા કે અંધભક્તિ માંથી બહાર નીકળી શક્યા નથી.

  ખૂબ આભાર,

  નીતિનકુમાર ભારદીયા
  ખંભાળિયા

  Liked by 1 person

 6. મા. રમણ પાઠકનો સ રસ લેખ
  આપણે સૌ એ સમજવા જેવી વાત
  આ શબ્દમાં ‘બુદ્ધી’ એટલે ‘ઈન્ટેલીજન્સ’ નહીં; પરન્તુ પ્રબુદ્ધતા અર્થાત્ જેની વીવેકશક્તી પ્રબુદ્ધ એટલે કે જાગ્રત છે તે ‘વીવેકબુદ્ધીવાદી–રૅશનાલીસ્ટ’.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s